CM રૂપાણીએ ગુજરાતની જનતાનો વ્યક્ત કર્યો આભાર

0
23

ગાંધીનગર
તા 23

ગુજરાતમાં ભાજપ માટે દિવાળી જેવો દિવસ છે. આવામાં ભાજપે આ ભવ્ય જીતના જશ્નની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમા ખાનપુર ખાતે આવેલા ભાજપના કાર્યાલયમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના વિજ્યોત્સવમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા સીઆર પાટીલ પણ જોડાશે. ખાનપુરમાં ભાજપની ભવ્ય વિજયી સભા યોજાશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકરોને સંબોધન કરશે. મોટી સંખ્યામાં અહી ભાજપના કાર્યકર્તાઓ જોડાશે. સભામંડપ બાંધવાની કામગીરી આરંભી દેવાઈ છે.

જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપ પર મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઈ કચાશ રાખશે નહિ. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

6 મહાનગરપાલિકાની 576માંથી 409ના ટ્રેન્ડમાં 339માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, જ્યારે 25 બેઠકોમાં AAP અને AIMIM પાર્ટી આગળ દેખાઈ રહી છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. તો અમદાવાદ અને સુરતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.