જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકી ઠાર

0
10

શ્રીનગર
તા : 05
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ છૂપાયા હોવાની ચોક્ક્સ બાતમી મળ્યા પછી બારામુલ્લાના બોમાઇ વિસ્તારમાં આવેલા નાથીપોરામાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે જ આતંકવાદીઓએ સુરક્ષા દળોે પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે સુરક્ષા દળોને પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સુરક્ષા દળોના ગોળીબારમાં બે આતંકવાદીઓના મોત થયા હતાં.

અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ થઇ શકી નથી અને તેઓ ક્યા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતાં તે પણ જાણી શકાયું નથી. કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારે ટ્વિટર પર જણાવ્યું છે કે બે કાઉન્સિલર અને એક પોલીસ કર્મચારીની હત્યામાં સંડોવાયેલા એક વિદેશી આતંકીને પણ પકડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૯ માર્ચના રોજ સોપોરમાં બે કાઉન્સિલર અને એક પોલીસ કર્મચારીની હત્યા કરવામાં આવી હતી.