દિલ્હીને ટાઇટલ સુધી પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ: પંત

0
16

નવી દિલ્હી
તા : 07
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે જણાવ્યું હતું કે ટીમના દરેક જણ ઉત્સાહથી લથબથ છે. દરેક જણ સો ટકા આપવા તૈયાર છે. ટીમનું વાતાવરણ આનંદદાયક છે. એક કેપ્ટન તરીકે તમને આનાથી વધારે શું જોઈએ. તે પોતે આઇપીએલમાં પહેલી વખત ટીમની કેપ્ટન્સી કરતી વખતે જબરજસ્ત ઉત્તેજના અનુભવી રહ્યો છે અને રોમાંચિત છે. તે કેપ્ટન તરીકે તેની પાસે ઉપલબ્ધ બને તેટલી તકોનો ફાયદો ઉઠાવવા માંગે છે.

આઇપીએલની ૬૮ મેચોમાં ૨૦૭૯ રન કરનારા ૨૩ વર્ષના પંતે જણાવ્યું હતું કે મને આ તક આપવા બદલ હું મારા બધા કોચ અને ટીમ માલિકોનો આભાર માનું છું. હું તેમના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. છેલ્લા બેથી ત્રણ વર્ષથી અમે જબરજસ્ત રમી રહ્યા છીે અને અમારી તૈયારીઓ ઘણી સારી છે. અમે હજી સુધી ટાઇટલ જીત્યા નથી, પરંતુ હું ટાઇટલ જીતવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. મુખ્ય કોચ રિકી પોન્ટિંગના ટીમ પરના પ્રભાવ અંગે તેણે જણાવ્યું હતું કે તેમની સાથેના છેલ્લા બેથી ત્રણ વર્ષ અમારા માટે શાનદાર રહ્યા છે. તે ટીમમાં જબરજસ્ત ઊર્જા લાવે છે અને તેમા પણ પોન્ટિંગ જેવા ચેમ્પિયન કેપ્ટન, ખેલાડી તમારા કોચ હોય ત્યારે તમે વિચારો છો કે આ વ્યક્તિ પાસેથી ઘણું શીખી શકાય છે. તેનાથી વધારે શ્રેષ્ઠ તમારી પાસે શું હોઈ શકે. આશા રાખીએ કે આ વર્ષે અમે રિકી પોન્ટિંગના માર્ગદર્શન અને શાનદાર દેખાવ દ્વારા ટાઇટલનો દુકાળ દૂર કરી શકીએ.

દિલ્હી કેપિટલ્સના સુકાની તરીકે તેની પહેલી જ મેચ તેના જ પોતાના માર્ગદર્શક તથા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સની સામે ૧૦મી એપ્રિલે છે. પંત માને છે કે આ મેચ તેના માટે શાનદાર અનુભવ હશે અને તેમાથી ઘણુ શીખવા મળશે. ખેલાડી તરીકે પણ મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. હું પોતે ધોની પાસેથી શીખેલા પદાર્થપાઠની સાથે મારો પાતાનો અનુભવ પણ કામે લગાડીશ.