જગત તાત સાથે છેતરપિંડી- જસદણમાંથી NPK ખાતરનું કૌભાંડ ઝડપાયું

0
146

જસદણ
તા : 13
ખાતરમાં ભોગાવો રેતીની ભેળસેળ થતી હોવાનો કિસાન સંઘે કર્યો પર્દાફાશ
જસદણ શહેર અને પંથકમાં એક તરફ કોરોનાનો કપરો કાળ તેમજ આકાશી આફત વચ્ચે જગતના તાતના હાલ બેહાલ થયા છે. તેની વચ્ચે ભોળા ખેડૂતોને લૂંટી ઘર ભરનારાઓએ ધરતીપુત્રોની ઉંઘ હરામ કરી દીધી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક ખાતર કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ પ્રગતિશીલ સેવા સહકારી મંડળી લી. માંથી NPK ખાતરમાં રેતી ભેળવવાના કૌભાંડનો ભારતીય કિસાન સંઘે પર્દાફાશ કર્યો છે. આ ખાતરનો ખેડૂતો સૌથી વધુ ઉપયોગ કરે છે અને જેના પર ખેડૂતોને સૌથી વધુ ભરોસો હોય છે તેવા NPK ખાતરમાં ભોગાવો રેતીનું ભેળસેળ આવતું હોવાનું સામે આવતા ખેડૂતોમાં હાહાકાર મચી ગયો હતો.

સહકારી મંડળીઓમાં રૂપિયા 1185માં વેચાતા મોંઘા ભાવના ખાતરમાં કંપની દ્વારા રેતી ભેળવાતી હોવાનું સામે આવતા ખેડૂતોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ 50 કિલોના NPK ખાતરમાં 10 ટકા જેટલું રેતીનું ભેળસેળ આવતું હોવાની માહિતી મળતા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયા સહિતનાએ ખેડૂતોને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને ખાતરમાં રેતીનું ભેળસેળ આવતું હોવાના કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. આ તકે ખેડૂતોમાં એવા પણ સવાલો ઉઠ્યા હતા કે ગુજરાતની સંવેદનશીલ સરકાર શું આ કૌભાંડ અંગે કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

અધિકારીએ પૈસા પાછા લઈ જવા કહ્યું
હું બે-ત્રણ દિવસ પહેલા આ મંડળીમાંથી ખાતર લઈ ગયો હતો. પહેલા હું આ ખાતર મારા ખેતરમાં એમનામ નાખતો હતો. પણ ખાતરનો દાણો ઓગળતો ન હોવાથી તેને ઓગાળતા 8થી9 કિલો ખાતરમાંથી 1 કિલો જેટલી રેતી નીકળી હતી. એ ખાતર લઈને હું જસદણ મંડળીએ આવ્યો તો તેમણે રાજકોટના અધિકારી સાથે વાત કરાવતા તેમણે મને કીધું કે તમે તમારા રૂ.1185 પાછા લઈ જાવ અને વધેલું ખાતર મૂકતા જાઓ. તેમણે કીધું કે રેતીનો કાયદેસર આવે જ છે. જો હું પૈસા પાછા લઈ લેત તો બીજા ખેડૂતોનું શું થશે તેવું વિચારી મેં કિસાન સંઘને જાણ કરતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આમાં મંડળીઓનો કોઈ દોષ હોતો નથી. પણ જે કંપનીઓ આનું ઉત્પાદન કરી રહી છે એ કંપનીઓ લાલચમાં આવી જગતના તાત ઉપર લૂંટ ચલાવી રહી છે તે આનાથી દેખાઈ આવે છે. અમે આ ખાતર ખેડૂતોની નજર સામે પાણીમાં નાંખી ઓગાળતા ભોગાવો રેતી નીકળી હતી. જો એક 50 કિલોની ખાતરની થેલીમાં 5 કિલો રેતી નખાતી હોય તો ખેડૂતોની શું દશા થાય છે તેતો ખેડૂત જ સમજી શકે. જેથી આવું કૌભાંડ કરનાર જેતે કંપની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ જગતનો આખા તાત જગતનું પેટ ભરે છે. જેથી જેપણ વ્યક્તિ જગતના તાતની મશ્કરી કરતો હશે તેને છોડવામાં નહી આવે. ગયા વર્ષે પણ ખાતર કૌભાંડ સામે આવ્યું હતું કે વજન ઓછુ આવે છે. અવારનવાર કેમ ખેડૂતો સાથે જ લૂંટ ચલાવાય છે. આમાં તો ઓછો વજન પૂરો કરવા રેતી નાંખી હોવાનું જોવા મળી રહ્યું છે. અત્યારે ખેડૂતો અતિવૃષ્ટિ સહિતની કેટલીય મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે જેથી હવે કોઈ મુશ્કેલી થવી જ જોઈએ તેવી અમારી કિસાન સંઘની માંગ છે.

આ ખાતરમાં કંપની રેતી ભેળવે તોજ તેની ગોળીઓ વળે
આ ખાતરમાં કંપની રેતી નાંખે તો જ ગોળીઓ વળે છે. આ ખાતર ખરેખર ડ્રીપનું નથી છતાં તે લોકો ડ્રીપમાં ચડાવે છે. ડ્રીપનું ખાતર અલગ જ આવે છે. અમારે 300 થેલી માંથી હાલ 91 થેલી પડી છે અને બાકીની વેચાઈ ગઈ છે.