ગાંધીનગર : કુડાસણ અપના અડ્ડા પાસે યુવાનની હત્યા

0
686

ગાંધીનગર
તા : 26
ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી અપના અડ્ડા ટી સ્ટોલ પાસે આજે વહેલી પરોઢે યુવાનોની બે ગેંગ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં અમદાવાદના છ જેટલા શખ્સોએ રાંદેસણ ગામના યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો તો સે-રમાં રહેતો અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઘાયલ થતાં ગાંધીનગરથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે ઈન્ફોસીટી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હત્યારાઓને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. ગાંધીનગરમાં આ પ્રકારે યુવાનો વચ્ચે શરૂ થયેલી લોહીયાળ તકરારો શાંત ગાંધીનગરને લાંછન લગાડી રહી છે ત્યારે પોલીસે આ મામલે કડક હાથે કામ લેવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.
ગાંધીનગર શહેરને અડીને આવેલા શાહપુર સર્કલથી રીલાયન્સ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર મોડી રાત સુધી ધમધમતી હોટલોના કારણે અગાઉ પણ યુવાનો વચ્ચે ઝગડા થતાં રહયા છે પરંતુ આજે વહેલી પરોઢે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી ગઈ છે. જે ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક રાંદેસણમાં રહેતો ર૪ વર્ષીય યુવાન કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ અને સે-રમાં રહેતો અભિમન્યુસિંહ ઉર્ફે ઋષિ મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય મિત્રો અપના અડ્ડા ટી સ્ટોલ પાસે બેઠા હતા તે દરમ્યાન અમદાવાદ તરફથી પણ કેટલાક યુવાનો યુવતિઓ સાથે અહીં બેસવા માટે આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના યુવાનો તેમની કાર લઈને પરત જઈ રહયા હતા તે દરમ્યાન આ ગૃ્રપ પૈકીના કોઈક યુવાને કાર સાથે આ અમદાવાદના યુવાનોની કારનો પીછો કર્યો હતો અને જેના પગલે તેઓ પરત ગાંધીનગર ફર્યા હતા અને ધોકા તેમજ ધારદાર હથિયારો સાથે આ યુવાનો ઉપર તુટી પડયા હતા. જેમાં અભિમન્યુસિંહ અને કેતનસિંહને માર મારવાનું શરૂ કર્યું હતું. છ જેટલા આ શખ્સો પૈકી એકે તેની પાસે રહેલો છરો કેતનસિંહના પીઠ તેમજ માથાના ભાગે મારતાં લોહીથી લથપથ થઈ કેતનસિંહ ત્યાં જ ઢળી પડયો હતો.
અભિમન્યુસિંહને પણ પીઠના પાછળના ભાગે છરાના ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અડધો કલાક સુધી ચાલેલા આ ખુની ખેલ બાદ કાર લઈને શખ્સો અમદાવાદ તરફ નાસી છુટયા હતા. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને કેતનસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ તો મિત્ર એવા દિપકસિંહ વિક્રમસિહ ગોહિલની ફરિયાદના આધારે પોલીસે છ જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. ગાંધીનગરમાં સર્જાયેલા હત્યાકાંડના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી સહિતની વિવિધ ટીમોને આરોપીઓને પકડવા માટે કામે લગાડી દેવામાં આવી છે. કુડાસણ વિસ્તારની હોટલો ઉપરાંત હાઈવે માર્ગો ઉપરના સીસીટીવી ફુટેજ પણ પોલીસે તપાસવાના શરૂ કરી દીધા છે.