ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

0
27

ગાંધીનગર
તા : 16
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં માત્ર 31 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અમરેલી, મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ભાવનગર, સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.14/09/2020 સુધીમાં અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.29 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર થયુ છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,26,127 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 97.62 ટકા છે. રાજ્યનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-168 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-09 જળાશય છે.