ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 86,052 કેસ નોંધાયા

0
46

નવી દિલ્હી
તા : 25
ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 58 લાખને પાર થતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 24 કલાકમાં સામે આવેલા કેસોની સંખ્યા સતત ચોથા દિવસે 90 હજારથી નીચે રહેતાં આંશિક રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 14 લાખથી વધુ હોવા છતાંય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,141 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 58,18,571 થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 47 લાખ 56 હજાર 165 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,70,116 એક્ટિવ કેસો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 92,290 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,89,28,440 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 14,92,409 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.