ભારતે પૃથ્વી 2 મિસાઈલનુ કર્યુ સફળ પરિક્ષણ

0
14

ઓરિસ્સા
તા : 17
ચીન સાથેના તનાવની વચ્ચે ભારતે છેલ્લા એક મહિનામાં એક પછી એક મિસાઈલ પરીક્ષણ કરીને અન્ય દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારતે આ જ સિલસિલો ચાલુ રાખીને શુક્રવારે રાતે ઓરિસ્સાના બાલાસોર તટ પરથી 300 કિલોમીટરથી વધુ અંતર સુધી પ્રહાર કરી શકતી પૃથ્વી 2 મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ હતુ.આ મિસાઈલ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.ડીઆરડીઓ દ્વારા વિકસિત કરાયેલી આ મિસાઈલ જમીન પરથી જમીન પરના ટાર્ગેટનો સફાયો કરવા માટે સક્ષમ છે. મિસાઈલ પરિક્ષણ રાતે લગભગ સાડા દસ વાગ્યે કરવામાં આવ્યુ હતુ અને મિસાઈલે પોતાનુ લક્ષ્ય સફળતાપૂર્વક ભેદી બતાવ્યુ હતુ.

ડીઆરડીઓના અધિકારીના કહેવા પ્રમાણે મિસાઈલને એક મોબાઈલ લોન્ચ થકી લોન્ચ કરાઈ હતી. જેની રેન્જ 350 કિલોમીટર સુધીની છે. મિસાઈલના રુટ પર રડાર, ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલીમેટ્રી સ્ટેશન થકી નજર રાખવામાં આવી હતી. પહેલેથી જ સેનામાં આ મિસાઈલ સામેલ છે. આ પૈકીની એક મિસાઈલને પસંદ કરવામાં આવી હતી અને ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કે જેની પાસે મિસાઈલ્સનો હવાલો છે તેના દ્વારા જ આ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ સમગ્ર પરિક્ષણ પર નજર રાખી હતી. મિસાઈલ ટાર્ગેટ પર પ્રહાર કરે છે કે નહી તે જાણવા માટે ભારતીય નૌ સેનાનુ એક જહાજ બંગાળની ખાડીમાં તૈનાત રહ્યુ હતુ.