ટીમ ઈન્ડિયાએ મોટેરા સ્ટેડિયમમાં પિન્ક બોલથી કરી પ્રેક્ટિસ

0
42

નવી દિલ્હી
તા : 22
ભારતીય ટીમ (Team India)એ બુધવારથી ઈંગ્લેન્ડની વિરુદ્ધ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટથી પહેલા નવા મોટેરા સ્ટેડિયમમાં સ્વિંગ લેતા પિન્ક બોલ (Pink Ball)થી પ્રેક્ટિસ કરી અને કેપ્ટન વિરાટ કોહલીએ આ આકરા ટ્રેનિંગ સેશનની આગેવાની કરી. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ 227 રને જીતી હતી અને ભારતે શાનદાર વાપસી કરતાં બીજી ટેસ્ટ 317 રને જીતી સીરીઝને 1-1ની બરાબરી પર લાવી દીધી છે.

ટીમ ઈન્ડિયા વધુ હવે પછી રમાનારી બંને ટેસ્ટ જીતવા માંગે છે અને તેને ધ્યાનમાં લઈને ખેલાડીઓએ નવા સરદાર પટેલ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ પહેલા સ્ટ્રેચિંગ એક્સસાઇઝ, ફીલ્ડિંગ ડ્રીલ કરી. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા છે. કેપ્ટન કોહલી, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને રોહિત શર્મા તથા વિકેટકિપર પંતે બેટિંગ પ્રેક્ટિસ કરી તો બુમરાહ અને મોહમ્મદ સિરાજે તડકામાં દોડીને ટ્રેનિંગ લીધી. હાલની સીરીઝમાં બે ટેસ્ટમાં ભલે સ્પિનરોને સૌથી વધુ વિકેટો મળી, પરંતુ ભારતીય ફાસ્ટ બોલરોએ કોલકાતામાં બાંગ્લાદેશની વિરુદ્ધ રમાયેલી પહેલી ડે-નાઇટ પિન્ક બોલ ટેસ્ટમાં તમામ 20 વિકેટો ઝડપીને જીત મેળવી હતી. શુભમન ગિલ અને મયંક અગ્રવાલે પણ નેટ પર પ્રેક્ટિસ કરી હતી.

સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પણ બોલિંગની પ્રેક્ટિસ કરી. આ પૈકી બે સ્પિનરને ટેસ્ટમાં તક મળી શકે છે. ભારત સ્વિંગ કરતા પિન્ક બોલને ધ્યાનમાં લઈને ચાઇનામેન બોલરને બહાર રાખવાનો વિચાર કરી શકે છે. BCCIએ ટ્રેનિંગ સેશનની નાની ક્લિપ પણ જાહેર કરી છે ગુજરાત ક્રિકેટ એસોસીએશને ડ્રીલ કરતા ખેલાડીઓની તસવીરો ખેંચી છે.