ભારતે પરમાણુ મિસાઈલને ટ્રેક કરતું જહાજ કર્યું તૈનાત

0
41

નવી દિલ્હી
તા : 19
ભારતે પરમાણુ મિસાઈલને ટ્રેક કરી શકે એવું નૌકા જહાજ તૈનાત કરી દીધું છે. વીસી-11884 એવુ સાંકેતિક નામ ધરાવતું આ જહાજ ઑક્ટોબર 2020માં જ લૉન્ચ કરી દેવાયું હતું. પરંતુ અન્ય જહાજોની માફક તેના લોન્ચિંગનો કાર્યક્રમ રખાયો ન હતો કે વિગતો જાહેર કરવામાં પણ આવી ન હતી. એક અખબારે આ અંગેનો અહેવાલ પ્રગટ કર્યા પછી દેશ-દુનિયાને તેની જાણકારી મળી હતી.

કોઈ દેશ દ્વારા પરમાણુ મિસાઈલ રવાના કરવામાં આવે તો એ દૂર હોય ત્યાં જ તેની જાણકારી મળે એ બહુ જરૂરી છે. એ માટે વિવિધ પ્રકારની વોર્નિંગ સિસ્ટમ નેશનલ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. આ જહાજ પણ તેનો જ ભાગ છે. આ પ્રકારનું સર્વેલન્સ જહાજ ધરાવતો ભારત જગતનો પાંચમો દેશ બન્યો છે. અમેરિકા, ચીન, રશિયા અને ફ્રાન્સ પાસે મિસાઈલ ટ્રેકિંગ વેસલ છે. આ જહાજનું બાંધકામ ભારતમાં જ થયું છે. એ બાંધકામની માહિતી સેટેલાઈટ ઈમેજિસ દ્વારા અન્ય દેશોને ન મળે એટલે ઘણી ખરી કામગીરી હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના કવર થયેલા ડોમમાં કરવામાં આવી હતી.

ભારતનું આ જહાજ અન્ય પરંપરાગત નૌકા જહાજો કરતાં અલગ છે. તેના તૂતક પર વિવિધ શસ્ત્રો ઓછા છે, પણ 3 મોટા ડોમ છે. એ ડોમ રેડારના છે, જેનું કામ દૂરથી મિસાઈલને પારખી લેવાનું છે. પરમાણુ મિસાઈલ્સ ઉપરાંત અન્ય મિસાઈલો, સબમરિન, દુશ્મન જહાજો વગેરેની જાણકારી મળી શકે એટલા માટે જહાજમાં આધુનિક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી દેવાઈ છે.