ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે: જો બાઇડન

0
29

વોશિંગટન
તા : 22
અમેરિકામાં જો બાઇડન (Joe Biden)એ નવા રાષ્ટ્રપ્રમુખ અને કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસ (White House)એ કહ્યું છે કે જો બાઇડન અને કમલા હૈરિસના કારણે ભારત-અમેરિકાની વચ્ચે સંબંધ વધુ મજબૂત થશે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છે. બાઇડને બુધવારે અમેરિકાના 46મા રાષ્ટ્પ્રમુખ તરીકે શપથ લીધા હતા.

બાઇડન પ્રશાસનમાં ભારત-અમેરિકાના સંબંધ પર એક સવાલના જવાબમાં સાકીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અનેકવાર ભારતની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ ભારત અને અમેરિકામાં નેતાઓની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા સફળ દ્વીપક્ષીય સંબંધોનું સન્માન કરે છે, તેનું મહત્ત્વ સમજે છે. બાઇડન પ્રશાસન તેને આગળ ધપાવાની દિશામાં આશાવાદી છે.

તેઓએ કહ્યું કે, ભારતીય મૂળની કમલા હૈરિસના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાથી આ સંબંધ વધુ મજબૂત થશે. સાકીએ કહ્યું કે, બાઇડને તેમની (હૈરિસની) પસંદગી કરી છે અને તેઓ પહેલી ભારતવંશી છે જે અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ બની છે. નિશ્ચિત રીતે આ આપણા સૌ માટે એક ઐતિહાસિક ક્ષણ છે ઉપરાંત તેનાથી આપણા સંબંધો પણ વધુ મજબૂત થશે.