IPLની 13મી સિઝન અંગે કાંઈપણ કહેવું ઉતાવળીયું ગણાશે

0
158

મુંબઈ
તા : 02
કોરોના વાયરસને દેશની કમર તોડી નાખી છે. રમતના મેદાનો સુનકાર ભાસે છે. ક્યાંય ક્રિકેટ મેચો રમાતી નથી. દરેક ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત કંગાળ થઈ ગઈ છે. ક્રિકેટ નહીં રમાતા નુકસાની ભરપાઈ કરવા માટે વિવિધ ક્રિકેટ બોર્ડ પોતાના સ્ટાફમાં ઘટાડો કરી રહ્યું છે તો સ્ટાફના પગારમાં પણ કપાત આવી રહી છે, આ ઉપરાંત ક્રિકેટરના પગારમાં પણ કપાત આવી ગઈ છે. આ મહામારીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સામે પણ જોખમ આવી ગયું છે. આઇપીએલનું આયોજન 29મી માર્ચથી થનારું હતું પરંતુ કોરોનાને કારણે તેને અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે ભારતમાં લોકડાઉનમાં છૂટછાટ મળવાની શરૂઆત થઈ ગઈ છે અને સરકારે અનલોક-1નો પ્રારંભ કર્યો છે ત્યારે આઇપીએલ અંગે આશા જાગી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની સમસ્યામાં વધારો થયો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે મેચના સ્થળો અંગેની ચિંતા જારી છે. આઇપીએલની 13મી સિઝન અંગે કાંઈપણ કહેવું ઉતાવળીયું ગણાશે. કેમ કે બોર્ડે સત્તાવાર રીતે તેની ચર્ચા કરવાની છે. આઇપીએલની મેચો રમાય તો પણ અમારે એ જોવાનું છે કે ક્યા સ્ટેડિયમમાં તેનું આયોજન થઈ શકે. ભારતમાં જ થઈ શકે છે પરંતુ તેના માટે માહોલ સુરક્ષિત હોવો જરૂરી છે. હાલમાં તો અમે એવી સ્થિતિમાં નથી કે કાંઈ પણ કહી શકીએ. અત્યારે તો લોકોના જીવ બચાવવા અને કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે. બોર્ડના પ્રમુખ અત્યારે લોકડાઉનમાં પોતાના ઘરમાં જ રહીન સમય પસાર કરી રહ્યા છે. તેણે જણાવ્યું હતું કે જે રીતે લોકો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે તે જોઇને હું પરેશાન છું. મને ખબર નથી કે મારા ચેરિટી ફાઉન્ડેશનમાંથી કેટલા લોકોની મદદ થઈ શકી છે પરંતુ હું મારા તરફથી સંપૂર્ણ મદદ કરવા માટે તૈયાર છું.