ઈસરોએ જાહેર કરી PSLV-C51 મિશનની લોન્ચિંગ તારીખ

0
21

શ્રીહરિકોટા
તા : 25
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ ટ્વીટરના માધ્યમથી PSLV-C51નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ગયું હોવાની અને 28મી ફેબ્રુઆરીએ સવારે 10:24 કલાકે આ રોકેટ લોન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. PSLV-C51એ ભારતીય પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામનું 53મું મિશન છે.

તાજેતરમાં રચાયેલા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ના પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશનમાં ઈસરો 28મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા ખાતેના સ્પેસપોર્ટ પરથી બ્રાઝિલના Amazonia-1 અને 20 અન્ય ઉપગ્રહોને લોન્ચ કરશે. ઈસરોના કહેવા પ્રમાણે ઉપગ્રહોને અંતરિક્ષ એજન્સીના રોકેટ PSLV-C51 દ્વારા 28મી ફેબ્રુઆરીએ હવામાનને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવશે. PSLV-C51એ NSILનું પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોન્ચ મિશન છે. ઈસરો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે Amazonia-1 સેટેલાઈટ આ મિશનનું પ્રાઈમરી પેલોડ હશે. તે સંપૂર્ણપણે બ્રાઝિલ દ્વારા વિકસિત કરવામાં આવેલું પ્રથમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે.

ઈસરોએ ટ્વીટમાં આ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવનારો બ્રાઝિલનો પ્રથમ ઉપગ્રહ હોવાની માહિતી આપી હતી. Amazonia-1એ રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (INPE)નો ઓપ્ટિલક અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણીનું નીરિક્ષણ અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ પાકના વિશ્લેષણમાં મદદ કરશે. આ રોકેટની સાથે અન્ય 20 ઉપગ્રહોને પણ લોન્ચ કરવામાં આવશે.