જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી ઉજવાશે

0
17

વીરપુર
તા : 21
આજે જલારામ બાપાની 221મી જન્મ જયંતી છે. મહામારીને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી સાદગીથી કરવામાં આવશે. આ સિવાય શોભાયાત્રા પણ રદ્દ કરવામાં આવી છે. કોરોના મહામારીએ તહેવારો અને ઉત્સવોની ઉજવણીનો આખો અર્થ બદલી નાખ્યો છે. આજે (21 નવેમ્બર) વીરપુરના પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતી છે, ત્યારે આ દિવસને એકદમ સાદગીથી ઉજવવામાં આવશે. આ સિવાય બની શકે તો વીરપુર આવવાના બદલે પોતાના ઘરે જ ઉજવણી કરવા માટે ગાદીપતિએ ભક્તજનોને અપીલ કરી છે. જલારામ જયંતીની ઉજવણી બાદ મંદિર અને અન્નક્ષેત્ર સોમવારથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર બાદ સંક્રમણ ખૂબ વધ્યું હોવાથી બાપાની જન્મ જયંતી સાદાઈથી ઉજવવાનો નિર્ણય ગાદીપતિ દ્વારા લેવામાં આવ્યો છે. દર વર્ષએ ગામના જ સેવાભાવી યુવાનો દ્વારા બાપાની જેટલી જયંતી હોય એટલા કિલોની કેક બનાવવામાં આવે છે તેમજ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને ભક્તોને પ્રસાદમાં ગરમ ઉકાળો આપવામાં આવશે. આ સિવાય ભીડને ટાળવા માટે શોત્રાયાત્રા પણ રદ્દ કરવામાં આવી છે. આજે બાપાની સમાધિ સ્થળે પૂજા કર્યા બાદ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે. જે રાત્રે 9 કલાક સુધી ખુલ્લુ રહેશે. જ્યારે પ્રસાદ સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી આપવામાં આવશે. હાલ કોરોનાનું સંક્રમણ વધી જતા જલારામ જયંતીની ઉજવણી બાદ સોમવારથી મંદિર તેમજ અન્નક્ષેત્ર બંધ રાખવાની જાહેરાત મંદિર સંચાલક દ્વારા કરવામાં આવી છે.