રાષ્ટ્રીય પ્રતીકો મામલે મદ્રાસ હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

0
129

ચેન્નાઈ
તા : 23
અશોક ચક્ર સહિત તિરંગાના રંગો સાથે દેશનો નકશો દોર્યો હોય તેવી કેક કાપવાથી કે ખાવાથી રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન થતું નથી તેવો ઐતિહાસિક ચૂકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે નોંધ્યું છે કે, દેશભક્તિ માત્ર બાહ્યાચારથી નક્કી ન થાય. તેની પાછળનો ઈરાદો જ દેશભક્તિનો ખરો માપદંડ કહેવાય.

રાષ્ટ્રધ્વજના રંગો સાથેના ભારતનો નકશો અને અશોક ચક્ર ધરાવતી કેક કાપનારાઓ સામે કોયમ્બતુર પોલીસને ગુનો નોંધાવા માટે મેજિસ્ટ્રેટે દિશાનિર્દેશ આપ્યા હતા. જે અંગેનો કેસ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન. આનંદ વેંકટેશે કાઢી નાંખ્યો હતો. તેમણે ચૂકાદો આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રાભિમાનની પ્રતિકાત્મકતા એ દેશભક્તિનો પર્યાય નથી. જેમ કેક કેવી રીતે કાપવી એ કંઈ દેશભાવનાથી વિરૂદ્ધ નથી. તેમણે ઊમેર્યું કે, જો રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનનો આવો જ અર્થ કરીશું તો લોકો રાષ્ટ્રધ્વજથી જ દૂર જઈ જશે.

આ ચૂકાદાની સાથે હાઈકોર્ટે આ કેસને રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ 1971નું ઉલ્લંઘન માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો. નોંધપાત્ર છે કે, 25મી ડિસેમ્બર, 2013ના રોજ કોયમ્બતુર જિલ્લામાં અશોક ચક્ર સહિત તિરંગામાં રંગાયેલા દેશના નકશાની આકૃતિ ધરાવતી એક વિશાળ કેક કાપવામાં આવી હતી અને તે એક હજાર બાળકો સહિત અઢી હજારથી વધુ લોકોને વહેંચવામાં આવી હતી.