પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

0
56

કરાચી
તા : 14
પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલે ટી20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. કામરાન અકમલ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. ટી20માં કામરાને 100 સ્ટમ્પિંગ્સ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. કામરાને પાકિસ્તાનમાં રમાઇ રહેલી ડોમેસ્ટિક ટી20 ટુર્નામેન્ટમાં આ કરીશ્મા કર્યો હતો. કામરાન અકમલ બાદ ટી20 ક્રિકેટમાં એમએસ ધોની બીજા ક્રમે છે, ધોનીએ તેની કારકીર્દીમાં 84 સ્ટમ્પિંગ કર્યા છે. આ ક્રમમાં ત્રીજા નંબર પર દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે. કાર્તિકે ટી20 ક્રિકેટમાં 59 સ્ટમ્પિંગ કર્યા છે. કામરાને 100 સ્ટમ્પિંગ્સનો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે.

ધોની પાકિસ્તાનના વિકેટકીપરના આ રેકોર્ડની નજીક છે પરંતુ માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. મતલબ કે ધોની ફક્ત આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં જ જોવા મળશે. આવી સ્થિતિમાં કામરાન અકમલે બનાવેલા આ વર્લ્ડ રેકોર્ડને તોડવો મુશ્કેલ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે ટી-20 ક્રિકેટમાં 44 સ્ટમ્પ આઉટ કર્યા છે. કામરાન અકમલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ સૌથી વધુ સ્ટમ્પિંગ કરવામાં બીજા નંબરનો વિકેટકીપર છે. કામરાને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 32 સ્ટમ્પિંગ કર્યા છે, જ્યારે ધોની પ્રથમ ક્રમે છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધોનીએ 34 વખત સ્ટમ્પિંગ કર્યું છે. આ મામલામાં ત્રીજા સ્થાને બાંગ્લાદેશનો વિકેટકીપર મુશ્ફિકુર રહીમ છે જેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 29 સ્ટમ્પિંગ કર્યા છે.