કેજરીવાલે ‘આપ’ના ધારાસભ્ય સામે કર્યો તપાસનો આદેશ

0
34

નવી દિલ્હી
તા : 07
અરવિંદ કેજરીવાલ સરકારે પોતાના જ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન દ્વારા કરાયેલા કહેવાતા ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ ઓડિટ શરૂ કરાવીને આશ્ચર્ય સર્જ્યું છે. ઓખલાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખાન વિધાનસભાની ચૂંટણી પહેલાં સુધી વકફ બોર્ડના ચેરમેન હતા. ખાન સામે બોર્ડના નાણાંનો દુરૂપયોગ કરવા બદલ એન્ટિ કરપ્શન બ્યુરોએ કેસ પણ કરેલો છે.

ખાનના કાર્યકાળમાં મોટા પાયે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં કેજરીવાલ સરકારે ખાનની વકફ બોર્ડના સભ્ય તરીકે નિમણૂકને મંજૂરી આપી નથી. હવે ખાનના ચાર વર્ષના કાર્યકાળના રેકોર્ડનું ઓડિટિંગ કરવા ચાર સભ્યોની ટીમ બનાવાઈ છે. રાજકીય વિશ્લેષકો કેજરીવાલના પગલાને વખાણી રહ્યા છે.

પોતાના જ પક્ષના ધારાસભ્ય સામે તપાસ શરૂ કરાવડાવીને કેજરીવાલે ભ્રષ્ટચાર સામે લડતના મુદ્દે પોતાની પ્રતિબધ્ધતા બતાવી છે. સામે ભાજપનો દાવો છે કે, કેજરીવાલ સરકારે ખાનને ફરી બોર્ડના ચેરમેનપદે બેસાડવા આ નાટક કર્યુંં છે. ઓડિટના નામે તપાસનું નાટક કરીને ખાનને ક્લીન ચીટ આપી દેવાશે ને ફરી ચેરમેન બનાવવાનો માર્ગ મોકળો કરી દેવાશે.