કોલકત્તામાં આજે PM નરેન્દ્ર મોદીની મેગા રેલી

0
60

નવી દિલ્હી
તા : 07
વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા બંગાળ માટે રવિવાર રેલીઓનો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલી કરશે. અભિનેતા મિથુન ચક્રવર્તી આ રેલીમાં સામેલ થશે. આ રેલીમાં મિથુન સામેલ થવાની જાણકારી ભાજપના બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ આપી છે. આજે મમતા પણ સિલિગુડી અને દાર્જિલિંગમાં રેલી કરશે.

મિથુન ભાજપમાં જોડાવાની અટકળો ત્યારે જ શરૂ થઈ હતી જ્યારે સંઘના વડા મોહન ભાગવત ગયા મહિને તેમના મુંબઇ સ્થિત ઘરે મુલાકાત કરવા ગયા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, મિથુન ચક્રવર્તીએ ઓક્ટોબર 2019માં નાગપુરની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેઓ સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા અને તેમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

રાજકીય પંડિતોના મતે, અભિનેતા તરીકે મિથુનની બંગાળમાં ઘણી લોકપ્રિયતા છે. તેનો લાભ લઈને ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. જો કે, મિથુન હજી ભાજપમાં સામેલ થયા નથી અને આજની રેલીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. મિથુનને 2014માં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. જો કે, બાદમાં તબિયત બગડવાના કારણે અભિનેતાએ 2016માં રાજીનામું આપ્યું હતું.