લિંબડીના અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ

0
158

લીંબડી
તા : 17
ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. પેટા ચૂંટણી પહેલા તમામ બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ફોર્મની ચકાસણી નીરિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. લીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઇ ગયુ છે. ગોપાલ મકવાણાનું ફોર્મ ટેકેદારનું નામ લખવામાં ભૂલ હતી જેને કારણે રદ થઇ ગયુ હતું. લીંબડી બેઠક પર ભાજપ તરફથી કિરીટસિંહ રાણા ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી ચેતન ખાચર મેદાનમાં છે. લીંબડી બેઠક પર રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી હતી.

લીંબડી બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણ કામ કરે છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. આ ઉપરાત દલિત મતદારો પણ હાર-જીતનું કારણ બની શકે છે. લીંબડી વિધાનસભાની બેઠક રાજ્યની બે મોટી પાર્ટી ભાજપ કે કોંગ્રેસ માટે ગઢ રહ્યો નથી. છેલ્લી ચાર ચૂંટણીમાં બે વખત ભાજપના ઉમેદવાર જ્યારે બે વખત કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. લીંબડી બેઠક પર કુલ 20 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાંથી ભાજપ-કોંગ્રેસ સિવાય અપક્ષા 17 ફોર્મ હતા. ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.