બંગાળ : મમતાના આ મંત્રીની મતદારોને ધમકી

0
40

કોલકાતા
તા : 07
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ મતદારોને લોભાવવામાં પડી છે ત્યારે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર અને બંગાળની સરકારમાં હાલમાં કૃષિ મંત્રી એવા તપન દાસગુપ્તા વોટ માટે મતદારોને ધમકાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કૃષિ મંત્રી તપન દાસગુપ્તાએ મતદારોને કહ્યુ હતુ કે, મને મત નહીં આપ્યો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

એક રેલીમાં દાસગુપ્તાએ મંચ પરથી એલાન કર્યુ હતુ કે, જે વિસ્તારમાં મને મત નહીં મળે તે વિસ્તારમાં વીજળી અને પાણી નહીં આપવામાં આવે તે નક્કી છે.આ માટે જેમને ભાજપને ફરિયાદ કરવી હોય તે કરી શકે છે. દાસગુપ્તા 2011માં અને 2016માં ચૂંટણી જીત્યા હતા અને તેઓ 2021માં ફરી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા મમતા બેનરજીની પાર્ટીના અન્ય એક ઉમેદવાર હમીદુલ રહેમાને પણ એક સભામાં ધમકી આપી હતી કે, ચૂંટણી પછી ગદ્દારોને જોઈ લેવામાં આવશે.જે લોકો મમતા બેનરજીની સરકાર દ્વારા અપાયેલા ફાયદા લઈ રહ્યા પછી પણ જો મત નહીં આપવાની ગદ્દારી કરશે તો તેમને ગદ્દાર કરાર અપાશે.