અમદાવાદ
તા 23
અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બન્ને મહાનુભાવોના આગમનને પગલે હાલ સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જેમ જેમ મેચની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ લોકોના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે.
24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ – ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. મેચ શરૂ થાય તે પહેલાં 24 ફેબ્રુઆરીએ 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં હાજર રહેવાના હોઈ લોખંડી બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. પોલીસ જવાનોને મેદાનની અંદર અને બહાર પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. પોલીસ સિવાય 24 ફેબ્રુઆરીથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.
મોટેરા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટથી પણ ઘણું મોટું હશે. આ સ્ટેડિયમ મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યા પર જ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. 63 એકરમાં સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ બનાવવામાં આવશે. છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં 50 જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. અહીં કોઈ પણ પીલર નહીં હોય, જેમાં કોઈ પણ અડચણે મેચ જોઈ શકાશે.