પુડુચેરી : મુખ્યમંત્રી નારાયણસામીએ આપ્યું રાજીનામું

0
109

નવી દિલ્હી
તા : 22
પોંડિચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનવાળી સરકાર તૂટી છે. સોમવારે વિશ્વાસ મત પહેલાં જ મુખ્યમંત્રી વી નારાયણસામીએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. પોંડિચેરી વિભાનસભા સ્પીકરે જાહેરાત કરી કે, નારાયણસામીની સરકારે બહુમત ગુમાવ્યો છે. સાથે જ મુખ્યમંત્રીએ પોતાના પદેથી રાજીનામું પણ આપ્યું છે. ગયા અઠવાડિયે કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપતાં કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઇ હતી. રવિવારે પણ બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદ વી નારાયણસામી પાસે ૧૧ ધારાસભ્યોનો જ સાથ હતો. તેની સામે વિપક્ષી પાર્ટીઓ પાસે કુલ ૧૪ ધારાસભ્યો હતાં.

પોંડિચેરીના ઉપરાજ્યપાલ તમિલિસાઇ સોંદરરાજને મુખ્યમંત્રી વી નારાયણસામીને વિધાનસભામાં બહુમત સાબિત કરવા કહ્યું હતું. સરકારે બહુમત ગુમાવવાના વિપક્ષના દાવા સામે રાજ્યપાલે બહુમત સાબિત કરવા આદેશ આપ્યા હતા. જ્યારે વી નારાયણસામી બહુમતનો દાવો કરી રહ્યાં હતાં. પરંતુ વિશ્વાસ મત પહેલાં જ તેમણે વોકઆઉટ કર્યું હતું. મુખ્યમંત્રી વી નારાયણસામીએ ઉપરાજ્યપાલ તમિલિસાઇ સોંદરરાજન સાથે મુલાકાત કરી અને તેમને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યાં બાદ વી નારાયણસામીએ કહ્યું કે, મેં, મારી સરકારના મંત્રીઓ, કોંગ્રેસ અને ડીએમકેના તમામ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપ્યું છે અને ઉપરાજ્યપાલને રાજીનામા સ્વીકારવાની માંગ કરવામાં આવી છે.