કડી : નર્મદા કેનાલમાંથી 20 વર્ષીય યુવતીની મળી લાશ

0
63

કડી
તા : 21
નર્મદા કેનાલને યુવક-યુવતીઓ જાણે આત્મહત્યા કરવા માટેની સ્થળ ગણતા હોય તેમ છાસવારે યુવક યુવતીઓ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરતા હોય છે. આવી જ એક ઘટના કડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બની છે. અંહી 20 વર્ષીય યુવતીએ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કડી શહેરથી થોડા અંતરે આવેલી વાય જંકશન કેનાલમાં આજે બપોરે આશરે એક વાગ્યાની આસપાસ કેનાલમાંથી આશરે 20 વર્ષીય અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કઢાવી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે બપોરે એક વાગ્યાની આજુ બાજુ કેનાલ વિભાગના એક નંબરના ગેટમાં લાશ ફસાઈ હોવાની જાણ કેનાલના ગેટ કીપર દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તરવૈયાને બોલાવી લાશને બહાર કાઢવામાં આવી હતી.

તરવૈયા દ્વારા લાશને બહાર કાઢયા બાદ પોલીસે લાશને તપાસ કરી પરંતુ 20 વર્ષીય યુવતીની લાશ પાસેથી કોઇ પ્રકારની ચીજ વસ્તુ મળી આવી નહોતી, માત્ર યુવતીના ડાભા પગમાં કાળા રંગનો દોરો બાંધેલો જોવા મળ્યો હતો. કડી પોલીસે લાશનું પંચનામું કરી લાશને કડી સિવિલમાં પી.એમ અર્થે મોકલી મોકલાવી છે. પી.એમ બાદ લાશને મહેસાણા કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપવામાં આવશે. જ્યારે કડી પોલીસે લાશના વાલી વારસા અંગે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.