WTC : ન્યૂઝીલેન્ડ ૨૪૯માં સમેટાયું, રિઝર્વ-ડે રસપ્રદ બન્યો

0
72

સાઉથમ્પ્ટન
તા : 23
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ પાંચમા દિવસે મંગળવારે ૨૪૯ રનમાં સમેટાઇ ગયો હતો. પ્રથમ દાવના આધારે ન્યૂઝીલેન્ડે ભારત સામે ૩૨ રનની મહત્ત્વપૂર્ણ લીડ લીધી હતી. આમ મેચનો રિઝર્વ-ડે રસપ્રદ બની ગયો છે. કિવિ સુકાની કેન વિલિયમ્સને તેની ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ૧૭૭ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૪૯ રન બનાવ્યા હતા. વિલિયમ્સન ટેસ્ટ ક્રિકેટમાં એક રન માટે ૩૩મી અડધી સદી ચૂક્યો હતો. પેસ બોલર મોહમ્મદ શમીએ ૭૬ રનમાં સર્વાધિક ચાર વિકેટ હાંસલ કરી હતી. અન્ય બોલર ઇશાન્ત શર્માએ ૪૮ રનમાં ત્રણ અને સ્પિનર અશ્વિને ૨૮ રનમાં બે વિકેટ ખેરવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ કલાકમાં ૧૨ ઓવરની રમતમાં માત્ર ૧૬ રન બનાવ્યા હતા. ફાઇનલનો ચોથો દિવસ વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડે બે વિકેટે ૧૦૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

ભારતીય બોલર્સે સમયાંતરે વિકેટો ઝડપીને કિવિ ટીમને સતત દબાણમાં રાખી હતી. ન્યૂઝીલેન્ડની નિચલી હરોળમાં જેમીસને ૧૬ બોલમાં ૨૧ તથા ટિમ સાઉથીએ ૪૬ બોલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે મી. એક્સ્ટ્રાના સ્વરૂપે ૨૬ રન આપ્યા હતા. શમીએ રોઝ ટેલર (૧૧), વોટલિંગ (૧), ગ્રાન્ડહોમી (૧૩) તથા જેમીસનને આઉટ કર્યા હતા. ઓપનર ડેવોન કોનવેએ ૧૫૩ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે પ્રથમ દાવમાં ૨૧૭ રન બનાવ્યા હતા જેમાં ઉપસુકાની અજિંક્ય રહાણેના ૪૯ તથા વિરાટ કોહલીના ૪૪ રન મુખ્ય રહ્યા હતા. કિવિ ટીમ તરફથી જેમીસને સર્વાધિક પાંચ વિકેટ ઝડપી હતી. કેન વિલિયમ્સન હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી ધીમી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. કિવિ સુકાનીએ ૧૦૦ બોલમાં ૧૫ રન બનાવીને એનરિક નોર્તઝે અને ચેતેશ્વર પૂજારાને પાછળ રાખી દીધા હતા.