ગુજરાતનાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથવાત

0
77

ગાંધીનગર
તા : 16
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ 97 ટકા આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને વધુ રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો. ત્યારે ગાંધીનગર ખાતે આજ રોજ મળેલી કોર કમિટીની મિટિંગમાં ઘટતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યુ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 4 મહાનગરોમાં આવનારી 28 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યુ લાંબાવામાં આવ્યો છે. આ રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકનો સમય ઘટાડીને રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.

રાત્રિ કર્ફ્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો એ સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે.

આયોજકે અને યજમાને સમારોહના સ્થળ પર સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતેની વ્યવસ્થા કરવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે સમારોહ સ્થળે ખુરશીઓ વચ્ચે અંતર તથા લોકોને ઊભા રહેવા માટે ફ્લોર માર્કિંગ પણ કરવાનું રહેશે. સમારોહમાં આવેલી કોઇપણ વ્યક્તિએ પાન-મસાલા ખાઇને પિચકારી મારવી નહીં. જો આમાંથી કોઇપણ વાતનો ભંગ થશે તો જે-તે વ્યક્તિ અને આયોજકને દંડ થશે.