નોઈડા હોસ્પિટલ પાસેથી બોમ્બ મળતા ખળભળાટ મચી

0
31

નોઈડા
તા : 22
ઉત્તર પ્રદેશના નોઈડામાં શુક્રવારે સવારે બોમ્બ મળી આવ્યાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો હતો. નોઈડાના સેક્ટર 63 ખાતે આવેલ જિલ્લા હોસ્પિટલ પાસેથી બોમ્બ મળ્યાની માહિતી મળી હતી. ત્યારબાદ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી બોમ્બની તપાસ શરૂ કરી હતી અને સાથે સાથે તેને નિષ્ક્રિય કરવાની કામગીરી પણ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લા હોસ્પિટલ પાસે રસ્તા પરથી બોમ્બ મળી આવ્યો હતો ત્યારબાદ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દિલ્હી સહીત એનસીઆર વિસ્તારમાં ઘણી તકેદારીઓ રાખવામાં આવી રહી છે. એજ કારણ છે કે બોમ્બ મળતાની સાથે જ અધિકારીઓ અને પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ગુરુવારના રોજ પણ નોઈડાના એક ખાનગી હોસ્પિટલમાં ફોન કરીને બોમ્બ હોવાની ધમકી આપી હતી. ત્યારબાદ અચાનક હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પોલીસે તપાસ કરતા કોઈ બોમ્બ નહોતો મળ્યો.