પાકિસ્તાની ટીમના છ ખેલાડી કોરોના પોઝિટિવ

0
24

ક્રાઇસ્ટચર્ચ
તા : 26
પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. 18મી ડિસેમ્બરથી બંને વચ્ચેની સિરીઝનો પ્રારંભ થનારો છે પરંતુ હાલમાં પાકિસ્તાની ટીમ કોરોનાના પ્રોટોકોલ હેઠળ ક્રાઇસ્ટચર્ચમાં કોરોન્ટાઈન છે. આ ગાળામાં ટીમના કેટલાક ખેલાડીએ પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને છ ખેલાડી કોરોનામાં પોઝિટિવ આવ્યા છે. આઇસોલેશનના પહેલા જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. આ ખેલાડીઓમાં શાહિદ અસ્લમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા અન્ય બે ખેલાડીનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે છ ખેલાડીમાંથી ચારને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું કન્ફર્મ છે. આ ખેલાડીને હવે આઇસોલેશનની સવલતમાંથી કોરોન્ટાઈન કરવાના રહેશે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પર કેટલાક નિયંત્રણ આવી ગયા છે. અગાઉ આઇસોલેશન દરમિયાન પાકિસ્તાની ટીમને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાશે. તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી ટીમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં.

પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ તે અગાઉ લાહોરમાં તમામ ખેલાડીના કુલ મળીને ચાર ટેસ્ટ કરાવાયા હતા અને એ તમામમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે રવાના થયા હતા. કોરોના અને ત્યાર બાદના લોકડાઉન બાદ પાકિસ્તાની ટીમ બીજો પ્રવાસ ખેડી રહી છે. અગાઉ તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ન્યૂઝીલેન્ડમાં છે અને શુક્રવારથી તેની ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે.