પીએમ મોદીના જન્મદિવસે જાણો તેમના જીવનના સૌથી મહત્વના 5 નિર્ણયો..

0
194

17 સપ્ટેમ્બર, 1950 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો અને આજે છે 17 સપ્ટેમ્બર 2020.  નરેન્દ્ર  મોદી  મે 2014માં દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે જેણે દેશને દુનિયાની આગળની હરોળમાં લાવીને ઉભો રાખી દીધો. વડાપ્રધાને ગત 6 વર્ષોના કાર્યકાળમાં ઘણી યોજનાઓને અમલમાં લાવી છે.

તો ચાલો જાણીએ પીએમ મોદીએ લીધેલા 5 મહત્વપૂર્ણ નિર્ણયો..

1. કાશ્મીર માટે બનેલા આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય

આર્ટિકલ 370માંથી આઝાદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વના નિર્ણયોમાંથી એક હતો. 2014માં પણ જ્યારે મોદી સરકાર બની ત્યારે તેની પ્રાથમિકતામાં આ કામ હતુ, પરંતુ તે પૂરુ ન થઇ શક્યુ. મે 2019માં જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા તો તેના ગણતરીના મહિના બાદ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યો. નરેન્દ્ર મોદીનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય હતો. આ નિર્ણય સાથે જ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઇ ગયો અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધા.

2. મોદી સરકારનો નાગરિકતા સંશોધન કાયદાનો નિર્ણય

બીજા કાર્યકાળ પહેલા સાત મહિનામાં જ મોદી સરકારે ફરીથી એક મોટો નિર્ણય લઇને સૌ કોઇને ચોંકાવી દીધાં. આ નિર્ણય હતો નાગરિકતા સંશોધન કાયદાને પાસ કરાવાનો. નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિઓને ભારતમાં નાગરિકતાનો અધિકાર મળી ગયો. એટલે કે આ દેશોના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇ જે વર્ષોથી શરણાર્થીનું જીવન જીવવા મજબૂર હતા. તેમને ભારતની નાગરિકતા મેળવવાનો અધિકાર મળી ગયો.

3. અયોધ્યા વિવાદના અંતનો નિર્ણય

દેશના સૌથી મોટા કાનૂની વિવાદ એટલે કે અયોધ્યા વિવાદનો ઉકેલ પણ મોદી સરકારના સમયમાં જ આવ્યો. વર્ષોથી કોર્ટની કાર્યવાહીમાં અટવાયેલા ભગવાન રામને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો અને 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયમાં અયોધ્યામાં રામજન્મભૂમિને જ રામનુ જન્મ સ્થાન માનવામાં આવ્યુ.

4. ત્રિપલ તલાકનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકની કાળી પ્રથામાંથી મુક્તિ અપાવી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક કાયદાને સંસદમાંથી પાસ કરીને મુસ્લિમ મહિલાઓને મોટી સોગાત આપી. કહેવામાં આવે છે કે આ કાયદાને પાસ કરાવા માટે પીએમ મોદીએ દરેક શક્ય પ્રયાસ કર્યા અને દેશમાં એવો માહોલ બનાવ્યો કે આ કાયદાને પાસ કરાવામાં કોઇ મુશ્કેલી ન થાય.

5. ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામતની જોગવાઇનો નિર્ણય

દેશની અનામત વ્યવસ્થામાં ચેડા કરવા વડાપ્રધાન માટે સરળ કામ નથી હોતુ. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અનામત સાથે ચેડાના પ્રયાસ થયા છે, સરકારની ખુરશી ડગમગી ગઇ છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય લીધો અને કેન્દ્ર સરકારે તેને કાયદેસર અમલી બનાવ્યુ. લોકસભા અને રાજ્યસભામાંથી ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો. હવે નોકરીઓથી લઇને શિક્ષણ સંસ્થાઓમાં એડિમશન માટે ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઇ ગયો છે.