બંગાળ : કોરોના વોર્ડમાં મતદાન મથક ઉભુ કરાતા વિરોધ

0
22

કોલકાતા
તા : 22
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચિંતાનો વિષય બની છે ત્યારે અહીંના રાયગંજ જિલ્લામાં તંત્રે બેદરકારીની તમામ હદ વટાવી દીધી છે. આજે છઠ્ઠા તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે ત્યારે રાયંગજની એક મેડિકલ કોલેજના કોવિડ વોર્ડમાં મતદાન મથક ઉભુ કરી દેવાતા સૌ ચોંકી ઉઠ્યા છે. અહીંના કોવિડ વોર્ડમાં મતદાન મથક બનાવાયુ હોવાની જાણ આસપાસમાં રહેતા સ્થાનિક લોકોને થઈ હતી. તેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તંત્ર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો.

દેખાવ કરનારા લોકોનુ કહેવુ છે કે, કોવિડ વોર્ડને પોલિંગ બૂથમાં ફેરવવાથી અહીંયા મતદાન કરવા જનારાને કોરોનાનુ સંક્રમણ લાગવાનુ જોખમ ઉભુ થયુ છે. અમે અહિંયા કોઈને મતદાન કરવા નહીં દઈએ. કારણકે આ જગ્યા સુરક્ષિત નથી. એક આંદોલનકારીએ કહ્યુ હતુ કે, અમને એ વાતની જાણકારી પણ નથી કે મતદાન મથક ઉભુ કરતા પહેલા આ વોર્ડને સેનિટાઈઝ કરાયો છે કે નહી.

દેખાવકારોએ કહ્યુ હતુ કે, અમે અંદર નહીં જઈએ. અમારા પર પણ પરિવારની જવાબદારી છે. સરકાર એક તરફ કોરોના ગાઈડલાઈનનો અમલ કરવા માટે ભાષણ આપી રહી છે અને બીજી તરફ કોરોના વોર્ડને વોટિંગ બૂથમાં ફેરવવામાં આવે છે. મતદારો માટે બીજુ બૂથ ઉભુ કરવામાં આવે. દેખાવકારોએ વિરોધના ભાગરુપે રસ્તા પર પણ ચક્કાજામ કર્યો હતો.એ પછી આ બૂથને સેનિટાઈઝ કરવામાં આવ્યુ હતુ.