PTC કોર્સના ઉમેદવારો માટે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

0
54

અમદાવાદ,તા:13 શિક્ષક બનવા માટેના પાયા સમાન પીટીસી કોર્સમાં આજથી એટલે કે 13-07ના રોજથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યની 110 જેટલી પીટીસી કોલેજોમાં તા.13થી 23 જુલાઈ સુધી ઓફલાઈન પ્રવેશ પ્રકિયા થશે.સરકારે પીટીસીમાં ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા બંધ કરતા આ વર્ષથી ઓફલાઈન અને દરેક કોલેજ પોતાની રીતે પ્રવેશ આપશે.

રાજ્યમાં 35 ગ્રાન્ટેડ, 10 સરકારી ડાયેટ, 70 જેટલી સ્વનિર્ભર મળીને 110 પીટીસી કોલેજોમાં 8,000 જેટલી સીટ છે. જેના માટે તા.13થી 23 સુધી વિદ્યાર્થીએ પોતાની પસંદગીની કોલેજમાં જઈ સીધા પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ગત વર્ષ સુધી ઓનલાઈન અને સેન્ટ્રાલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા થતી હતી, પરંતુ પીટીસીમાં સીટ જ ભરાતી નથી. 8,000 સીટ સામે 3,500થી 4,000 માંડ ભરાય છે. તેના કારણે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે.

એક સમય હતો કે જ્યારે 450 પીટીસી કોલેજ ધમધમતી હતી. 2010 સુધી 35,000 એડમિશન થતા હતા પરંતુ ત્યારબાદ એડમિશન ઘટતા ગયા તેના કારણે આશરે 350 જેટલી સ્વનિર્ભર કોલેજોનને કાયમી ધોરણે તાળા લાગી ગયા. જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ કર્યા વગર પીટીસીનો અભ્યાસક્રમ શીખે તો બીએડ ટીચરને ટક્કર મારે તેમ છે.