રાજસ્થાનમાં પૂજારીને જીવતો સળગાવી દેતા ધરણા પર બેઠા BJP સાંસદ

0
46

કરૌલી
તા 10
રાજસ્થાનના કરૌલીમાં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. કારૌલીના સપોટરા વિસ્તારના બુકણા ગામે મંદિરની જમીન કબજે કરવા માટે અમુક લોકો છાપરા નાખી રહ્યાં હતા. પૂજારીએ અપરાધીઓને અતિક્રમણ કરતા અટકાવ્યા તો તેમણે પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. આ આગમાં પૂજારીનું શરીર ઘણી જગ્યાએથી દાઝી ગયું. પરિવારે પૂજારીને પહેલા સપોટરા હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ હાલત નાજુક જણાતા તેને જયપુર રિફર કરાયો હતો. જયપુરમાં સારવાર દરમિયાન પૂજારીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ કિરોદિલાલ મીના પૂજારીના ગામમાં સેંકડો લોકો સાથે ધરણા પર બેઠા છે. પૂજારીની હત્યા કેસમાં રાજસ્થાન સરકાર પર નિશાન સાંધતા ભાજપે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

પુજારી બાબુલાલ વૈષ્ણવના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 6 પુત્રીઓ અને એક પુત્ર છે. પરિવારે ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે. પુજારીની પત્ની વિમલા દેવીએ ન્યાયની માંગ કરતા કહ્યું હતું કે ગુનેગારોને ફાંસી આપવી જોઈએ. અન્ય એક સબંધીએ માંગ તંત્ર પાસેથી પરિવારને 50 લાખ રૂપિયા અને બાબુલાલના પુત્રને સરકારી નોકરીની માંગ કરી. પૂજારીના નિવેદન બાદ સપોટરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી હતી, પરંતુ અન્ય 5 આરોપી હજી ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો મંદિરની જમીનમાં કબજો કરી રહ્યા હતા. આ અંગે ઘણા સમયથી વિવાદની સ્થિતિ હતી. આ મામલે ગ્રામજનોએ પંચાયત પણ કરી હતી, જેમાં પંચ પટેલોએ મંદિરની જમીનના કબજો કરનારાઓને અતિક્રમણ ન કરવા અને કબજો હટાવવા કહ્યું હતું, પરંતુ અતિક્રમણ કરનારાઓએ પંચ પટેલોની વાત સાંભળી ન હતી.