મેઘરાજાની તોફાની બેટિંગ- રાજકોટમાં 6 ઈંચ વરસાદથી 1000 લોકોનું સ્થળાંતર

0
109

રાજકોટ,તા:23

રાજકોટમાં ગત મોડી રાતથી સતત ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ પડતા જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સતત વરસાદથી રામનાથ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જતા 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરોમાં પાણીની સાથે સાથે સાપ અને જીવાતો પણ આવે છે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજી ડેમ ઓવરફ્લો થતાં 12 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યાં છે.સતત વરસાદના પગલે ફરી એકવાર રામનાથ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સાથે જ આસપાસના વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી પડી રહી છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરની તમામ ઘરવખરી પલળી ગઈ છે.

ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. રામનાથ મંદિર પાસેના પુલનો એંગલ તૂટ્યો છે. સતત વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ચેરમેન સહિતના લોકો સ્થળ મુલાકાત કરી રહ્યાં છે. આ સાથે જ જરૂરી મદદ પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આજી નદી બેકાંઠે વહેવા લાગી છે. આ સાથે જ આજી ડેમ ઓવર ફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતાં રાજકોટ તાલુકાના બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.