રાજકોટમાં મેડિકલ સ્ટોરે આ દવા લેવા પર થશે કોરોના ટેસ્ટ

0
150

રાજકોટ
તા : 06
ગુજરાત રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1311 નવા કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં કોઈ પણ વ્યક્તિ શરદી, ઉધરસ કે તાવની દવા લેવા જશે તો તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આથી કોરોના સંક્રમણ અટકશે અને પોઝિટિવ દર્દીઓ અન્યના સંપર્ક આવ્યા હોય તેની માહિતી પણ મળી રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ન છુપાવવા જોઈએ. મેડિકલ સ્ટોર્સમાં જતી વ્યક્તિએ પોતાનું નામ, નંબર અને એડ્રેસ લખાવાના રહેશે. મનપા દ્વારા અલગ અલગ વિસ્તારના મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર્સ વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો ઓર્ડિનેટ કરશે. રાજકોટના 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સમાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મેડિકલ ઓફિસરો મેડિકલ સ્ટોર્સ પાસેથી દર્દીઓના નામ-નંબર લઈ કોરોના ટેસ્ટ કરાવશે.