રાજકોટ : આમ આદમી પાર્ટીની ઓફિસમાં તોડફોડ

0
126

રાજકોટ
તા : 21
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધીરે ધીરે મતદાન થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી રાજકોટમાં 14.76 ટકા મતદાન થયું છે. અત્યાર સુધી રાજકોટમાં શાંતિમય રીતે મતદાન ચાલી રહ્યું હતું. જોકે, હવે શાંત પાણીમાં કાંકરીચાળો થયો હોય તેવી ઘટના બની છે. બપોર બાદ રાજકોટમાં ચૂંટણીનો માહોલ હિંસક બન્યો હતો. શહેરના લક્ષ્મીનગર રોડ પર આવેલ આપના કાર્યાલયમાં તોડફોડનો બનાવ બન્યો છે. આપના કાર્યાલયમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.

રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટીનું કાર્યાલય આવેલું છે. શહેરના વોર્ડ નંબર 8માં આ કાર્યાલય આવેલું છે. જ્યાં આપના કાર્યકર્તાઓ બેસ્યા હતા. ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવી ચઢ્યા હતા. આ માથાભારે શખ્સોએ આવીને કાર્યાલયમાં આવીને ફર્નિચરની તોડફોડ કરી હતી. તો સાથે જ આપના ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાગણેચા સાથે પણ ઉગ્ર બોલાચાલી કરીને મારામારી કરી હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

તોડફોડની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. કાર્યાલયમાં સર્વત્ર તોડફોડના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખુરશીઓ તૂટેલી હાલતમાં હતી. ત્યારે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. સામસામે ઉગ્ર બોલાચાલી કરનારા લોકોને સમજાવ્યા હતા. ત્યારે હાલ લક્ષ્મીનગર મેઈન રોડ પર બૂથ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.