રેપિડ એન્ટિબોડી ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીઓને સરકારની મંજૂરી

0
72

ગાંધીનગર
તા 7
કોરોના મહામારીમાં નાગરિકોને ત્વરિત સારવાર મળી અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે. ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550નો ખર્ચ થશે.

વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ. લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ. લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.