સ્મિથ ભારત માટે માથાનો દુઃખાવો થશે સાબિત: મેક્સવેલ

0
19

સિડની
તા : 21
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવા માટે સજ્જ થઈ રહી છે. આઇપીએલની ફાઇનલ બાદ ટીમ સીધી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી. 27મી નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો ત્યારે વિરાટ કોહલીની ટીમે સિરીઝ જીતી હતી. એ વખતે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ હતો તેથી તેઓ રમી શકયા ન હતા પરંતુ આ વખતે તેઓ રમવાના છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું માનવું છે કે સ્મિથ આ વખતે ભારત માટે જોખમી પુરવાર થનારો છે.

ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે સ્ટિવ સ્મિથ આ વખતે ભારત માટે માથાનો દુખાવો સાબીત થનારો છે. તેણે દિલ્હી કેપિટલ્સ માટે રમનારા માર્કસ સ્ટોઇનિસની પણ પ્રશંસા કરી હતી. મેક્સવેલે જણાવ્યું હતું કે, સ્મિથના આગમનથી અને સ્ટોઇનિસ જે રીતે રમી રહ્યો છે તે જોતાં કાંગારું ટીમની બેટિંગ મજબૂત બની ગઈ છે. ગ્લેન મેક્સવેલે પ્રેસ કોન્ફરન્સથી મીડિયા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે સ્ટોઇનિસ શાનદાર ફોર્મમાં છે. તેને તક મળશે તો તે સારી બેટિંગ કરશે. દિલ્હી માટે તે આઇપીએલમાં સારી બેટિંગ કરી ચૂક્યો છે.