જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ બનશે

0
31

ગાંધીનગર
તા : 15
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં 3600 ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. મુખ્યમંત્રીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

તેમણે આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.