જાન્યુઆરીમાં 99.70 લાખ ટન સ્ટીલનો વપરાશ

0
26

દિલ્લી
તા 23
ભારતમાં જાન્યુઆરીમાં 99.70 લાખ ટન સ્ટીલનો વપરાશ રહ્યો છે. ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે ૯ ટકા વધી ૯૯.૭૦ લાખ ટન રહ્યો છે. કોઈ એક મહિનામાં સ્ટીલનો આટલો જંગી વપરાશ પ્રથમ વખત જોવા મળ્યો છે. ડિસેમ્બરની સરખામણીએ વપરાશમાં ૩ ટકા વધારો થયો છે. દેશની સ્ટીલની નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારાને જોતા સ્ટીલની માગ મજબૂત રહેવાના સંકેત મળી રહ્યા છે. સ્ટીલ ઉત્પાદન ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ સાત ટકા વધ્યો છે.

એક અહેવાલ પ્રમાણે, સ્ટીલના મોટા વપરાશકાર અને મોટા ઉત્પાદક ચીન ખાતેથી પોઝિટિવ પરિબળોને પરિણામે સ્ટીલના માગ-પૂરવઠાની સ્થિતિ સમતુલિત રહી શકે છે જેને કારણે ભાવમાં ટેકો મળી રહેશે. વિશ્વમાં ઉત્પાદિત થતા સ્ટીલમાંથી ૫૬ ટકા જેટલું સ્ટીલ ચીનમાં ઉત્પન્ન થાય છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં એચઆર કોઈલના ભાવ ચીનમાં વધીને પ્રતિ ટન ૭૭૦ ડોલર પર પહોંચી ગયા હતા. જો કે જાન્યુઆરીમાં નવા વર્ષની રજાઓને કારણે ભાવ દબાયા હતા તે ફરી ઊંચકાયા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ભારતમાં પણ સ્ટીલના ભાવમાં રેલી જોવા મળી રહી છે.