સુરતના દ્વારકેશ માર્કેટમાં લાગી આગ, કરોડોનું નુકસાન

0
23

સુરત
તા : 26
સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસ (તૈયાર કરેલો સાડીનો જથ્થો સંગ્રહ કરવાનું સ્થળ)માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર દોડતું થઈ ગયું હતું. આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યા બાદ સળગી ગયા હતા. આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, દ્વારકા અને કાબરા હાઉસમાં ફાયર સિસ્ટમ ન હોવાથી સીલ કરી દેવામાં આવ્યા છે.

સાત ફાયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને 5 કલાકમાં જ ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં સફળ રહી હતી. જોકે આ આગમાં 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે અને દ્વારકા હાઉસના બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.જ્યારે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

દીપકભાઇ (પૂઠાના વેપારી) એ જણાવ્યું હતું કે રાત્રે મારો માલ આવ્યો હતો, જેની ડિલિવરી લેતા હતા. અચાનક એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો, દોડીને ગયા તો દ્વારકા હાઉસમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી. તાત્કાલિક ફાયર અને વીજ કંપનીને ફોન કરીને જાણ કરી. ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ પાર્કિગમાં પાર્ક સાડી ભરેલા બે ટેમ્પા પર પડતાં બન્ને ટેમ્પા મારી નજર સામે જ બળી ગયા હતા. ત્યાર બાદ ફાયર ગાડી આવે એ પહેલાં બાજુનું કાબરા હાઉસ આગની લપેટમાં આવી ગયું હતું. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર ગાડી દોડી આવતાં ખૂબ જ મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.