સુરતના જયસુખ ગજેરાએ આપઘાત પહેલાં કહ્યા હતા આ શબ્દો..!

0
72

સુરત
તા : 11
દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે..જેથી આર્થિક કટોકટીથી કંટાળીને રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખભાઈ ગજેરાએ કામરેજ નજીક આવેલા કઠોર ગામના બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. તેમના આ પગલાથી સુરતના હીરા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. જયસુખ ભાઈ ગજેરાએ આપઘાત પહેલાં તેના મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે હું જીવનથી કંટાળી ગયો છું અને સુસાઇડ કરું છું. રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખભાઈએ બુધવારે રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખપદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. તેમણે કામરેજની તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રે તેમનો ફોન પર સંપર્ક ન થઈ શકતાં પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનાં બાઇક અને ચપ્પલ કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યાં હતાં, જે બાદ ગુરૂવારના રોજ નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

જયસુખ ભાઈ ગજેરાના મોટા ભાઈ મનુ ગજેરાએ નોંધાવેલી FIRમાં જણાવ્યું છે કે બુધવારે રાત્રે 9:15ની આસપાસ મારા નાના ભાઈ જયસુખ ગજેરાની પત્ની દક્ષાબહેનનો કોલ આ‌વ્યો હતો, જેમાં જયસુખભાઈના નડિયાદમાં રહેતા મિત્ર આશિષભાઈના કોલમાં તેમને જણાવ્યું હતું કે જયસુખભાઈ પોતે જીવનથી અને આર્થિક સંકડામણથી કંટાળી ગયા હોય અને સુસાઇડ કરવાના છે એવું જણાવ્યું હતું. જયસુખભાઈ તેમની પત્નીને કામરેજ તરફ કામ છે અને આ‌વતાં મોડું થશે એમ જણાવીને ઘરેથી નીકળ્યા હતા. વાતની જાણ બાદ મેં તરત તેમના મોબાઇલ પર કોલ કર્યો હતો, પરંતુ ફોન બંધ આ‌વ્યો હતો. આ ઘટનાની જાણ અમારા સંબંધીઓને કર્યા બાદ પુત્ર વિજય સહિતના બીજા સંબંધીઓ સાથે કામરેજ અને પુણામાં તેમની શોધખોળ કરી હતી. ભાઈની શોધખોળ વેળા કામરેજ નજીક તાપી પર આવેલા મોટા પુલ પાસે તેમનાં બાઇક, ચપ્પલ મળી આવ્યાં હતાં. તેમના ભાઈએ નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણ થતાં શોધખોળ હાથ ધરી હતી.