સુરત
તા : 06
સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રૂમનો દરવાજો બહારથી લોક હતો. જોકે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી થાઈલેન્ડની અને સ્પામાં કામ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગિનભાઈ પરભુભાઈ પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં થાઈલેન્ડની મીમ્મી નામની મહિલા ભાડે રહેતી હતી. ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.
રાત્રી દરમિયાન થાઈલેન્ડની યુવતીના થયેલા મોતના પગલે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં યુવતી સળગી ગઈ છે. જોકે, આગ લાગવાના કારણે તેની જવાળાઓ ઘરની બહાર સુધી આવી હોવાનું સામે આવ્યું છે. ઘરના એક સાઈડનો ભાગ પણ સળગી ગયો છે. વીધી ચૌધરી (ડીસીપી ઝોન-4)એ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ છે. હાલ એફએસએલ તપાસ કરી રહી છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે.