મુંબઈમાં 26 ખાનગી વેક્સીનેશન સેન્ટર બંધ

0
19

મુંબઈ
તા : 08
દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. બીજી તરફ કોરોના વેક્સીનને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોએ કોરોના વેક્સીનની અછતની ફરિયાદો કરી છે. મુંબઈના BMCએ પુષ્ટિ કરી છે કે મુંબઈમાં કુલ 120 વેક્સીનેશન સેન્ટર છે, જેમાંથી ખાનગી વેક્સીનેશન સેન્ટરની સંખ્યા 73 છે, જેમાંથી 26 બંધ થઈ ગયા છે. બાકીના 26 સેન્ટર આજે સાંજ બાદ બંધ થઈ જશે. બાકીના 21 સ્ટૉક ખતમ થતા જ શુક્રવારે બંધ થઈ જશે. આ ઉપરાંત નવી મુંબઈના 23 વેક્સીનેશન સેન્ટર બંધ થઈ ગયા છે.

વેક્સીનની તંગી અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર પર ભેદભાવ રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે અમને અઠવાડિયામાં ફક્ત 17 લાખ કોરોના વેક્સીન ડોઝ મળ્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના 48 લાખ, મધ્ય પ્રદેશને 40 લાખ અને ગુજરાતને 30 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ટોપેએ કહ્યુ કે, મેં ભેદભાવ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સાથે વાતચીત કરી છે. અમારે ત્યાં સૌથી વધારે કેસ છે, વસ્તી પણ વધારે છે, અહીં 57 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આવું હોવા છતાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. મારી ફરિયાદ પર ડૉક્ટર હર્ષ વર્ધને કહ્યું છે કે, હું આ બાબત જોઈ રહ્યો છું અને વ્યવસ્થા સરખી કરી રહ્યો છું.